Wednesday 28 June 2017

૨૮ મી એપ્રિલ

ગગનવિહારી મહેતા


          પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર ગગનવિહારી મહેતાનો જન્મ તા. ૧૫.૦૪.૧૯૦૦ ના રોજ ભાવનગરમાં થયો હતો. મુંબઇમાં શિક્ષણ લઇ સ્નાતક થયા. રાજકારણ તેમનો પ્રિય વિષય હતો. મુંબઇના વિખ્યાત રાષ્ટ્રીય દનિક બોમ્બે ક્રોનિકલ ના સહાયક તંત્રી બન્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. એમનું મોહક વ્યક્તિત્વ, ચારુતા અને વિનોદવૃતિને લીધે ટેરિફ કમિશન અને પ્લાનીંગ કમિશનમાં સૌથી લાયક વિશિષ્ટજન તરીકે તેમની પસંદગી થઇ હતી. અમેરિકા ખાતે હિંદના રાજદૂત તરીકે એમની નિમણૂંક થઇ. લેખનકળા અને વક્તૃત્વકળાના તેઓ બેતાજ બાદશાહ હતા. તા. ૨૮.૦૪.૧૯૭૪ ના રોજ તેમનું અવસાન થયું. 

૨૭ મી એપ્રિલ

ડૉ. મણિભાઇ દેસાઇ


                    ડૉ.મણિભાઇ દેસાઇનો જન્મ તા. ૨૭.૦૪.૧૯૨૦ ના રોજ સુરત પાસેના કોસમડા ગામે થયો હતો. કૉલેજનું છેલ્લું વર્ષ હોવા છતાં કૉલેજ છોડીને આઝાદીની લડતમાં જોડાઇ ગયા. બાપુએ તેમને સેવાશ્રમ આશ્રમમાં બોલાવ્યા. એમણે સમાજસુધારાનું કામ પણ આદર્યું. ગાંધીજીના ખોળામાં માથું મૂકીને એ બોલ્યા “બાપુજી મારી રાખ ઉરુળી કાંચનમાં પડશે. એમારી પ્રતિજ્ઞા છે.” પછે તો લોકોની વ્યસનમુક્તિ, કરજમુક્તિ પછી પડતર જમીનનો વિકાસ, શિક્ષણ વગેરે કાર્યક્રમો હાથ ધર્યા. બાયફ સંસ્થા દ્વારા કૃષિવિદ્યા, ઘાસચારા ઉત્પાદન, રેશમકીડા સંવર્ધન, પશુસંવર્ધન વગેરે અનેક પ્રકારના કાર્યક્રમો એમણે ચલાવ્યા. મણિભાઇનું ૭૩ વર્શની વયે ઉરુળીમાં અવસાન થયું. 

૨૬ મી એપ્રિલ

 ડૉ. શ્રીનિવાસ રામાનુજન

          ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ તમિલનાડુ પાસેના એક ગામડામાં થયો હતો. ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા અને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતમાં પ્રશ્નોના ઉત્તર માટે નવી નવી તરકીબ કરતા હતા. એમની સ્મરણ શક્તિ અનન્ય હતી. સંખ્યાઓની યાદ રાખવી એમના માટે રમત હતી. એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી. રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ગણિતજ્ઞ છે. ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓએ તેમનું વારંવાર ભવ્ય સન્માન કર્યું કે આવું સન્માન ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું કદી થયું ન હતું. માત્ર ૩૨ વર્ષની વયે આ મહાન ગણિતજ્ઞનું ૨૬.૦૪.૧૯૨૦ ના રોજ અવસાન થયું.

૨૫ મી એપ્રિલ

ગુગ્લીમો માર્કોની


             મહાન વૈજ્ઞાનિક અને સંશોધક માર્કોનીનો જન્મ ૨૫.૦૪.૧૮૭૪ ના રોજ ઇટાલીમાં થયો હતો. અભ્યાસ દરમિયાન જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે નામ રોશન કર્યુ હતું. બાળપણથી જ તેમને વિદ્યુત સંશોધનોમાં અનોખો રસ હતો. કોઇ પણ જાતના તાર વગર અવાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું સંશોધન કર્યું. કેનેડાની સરકારે માર્કોનીને આમંત્રણ આપી સંદેશાવ્યવહારનું સેન્ટર ઊભું કર્યું. તેમણે “અલ્ટ્રા શોર્ટ એન્ડ માઇલ વેવ્ઝ” પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. જેની મદદથી રેડિયોની શોધ થઇ. માર્કોનીન નોબેલ પુરસ્કાર મળ્યો. ઇટાલીના રાજાએ તેને માટે વારસાગત ઉમરાવપદ પણ આપ્યું. સંદેશા-વ્યવહારમાં ક્રાંતિકારી શોધ કરી દુનિયાને ઉપયોગી થનાર માર્કોનીનું ૬૪ વર્ષની ઉંમરે અવસાન થયું.  

૨૪ મી એપ્રિલ

ચાંપશીભાઇ ઉદ્દેશી

               ગુજરાતના વિખ્યાત પત્રકાર ચાંપશીભાઇ ઉદ્દેશીનો જન્મ તા. ૨૪.૦૪.૧૮૯૨ ના રોજ થયો હતો. મેટ્રિકમાં નાપાસ થવાથી કલકત્તામાં સામાન્ય નોકરી સ્વીકારી લીધી. એમણે નવચેતન શરૂ કર્યું. નવચેતન માસિકને ટકાવી રાખવા, સમૃદ્ધ કરવા જ સદા સર્વદા મશગુલ રહેતા. ગુજરાતી રંગભૂમિ પર રજૂ કરી શકાય તેવા પાંચેક નાટકો પણ તેમણે લખ્યા હતા. એમની બે કથાઓ પરથી ફિલ્મો પણ ઊતરી છે. 

વાયલેટ આલ્વા


             વિરલ નારી પ્રતિભા શ્રીમતિ વાયલેટ આલ્વાનો જન્મ તા. ૨૪.૦૪.૧૯૦૪ ના રોજ મુંબઇ માં થયો હતો. નાનપણથી જ તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા વાયલે કોલેજ શિક્ષણ પુંરું કર્યાબાદ સ્વતંત્ર સેનાની જેકીમ આલ્વા સાથે લગ્ન કર્યા. ભારત છોડો આંદોલનમા6 જેલયાત્રા પણ કરી. તેઓ પ્રથમ મહિલા વકીલ અને ત્યારબાદ મેજિસ્ટ્રેટ બન્યાં. તે પછી મુંબઇ વિધાનસભામાં અને ૧૯૫૨ માં રાજ્યસભામાં નિયુક્ત પામ્યાં. ૧૯૬૨ માં તેઓ રાજ્યસભાના ઉપાધ્યક્ષ બન્યા હતાં. તેઓ ભારતીય વ્યાવસાયિક મહિલા સંઘ ના અધ્યક્ષ હતા. તેમણે મહિલા ઉત્કર્ષ માટે ભારતીયનારી નામનું સામયિક ચલું કર્યું. તેમણે પત્રકારત્વ, વકીલાત, રાજકારણ અને મહિલા ઉત્કર્ષ જેવા અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું છે.    

Sunday 23 April 2017

૨૩ મી એપ્રિલ

વિલિયમ શેક્સપિયર


           મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયરનો જન્મ તા.૨૩.૦૪.૧૫૬૪ ના રોજ ઇંગ્લેન્ડના સ્ટ્રેટહોર્ડ ગામમાં થયો હતો. પિતાને આર્થિક ટેકો મળે તે માટે વિલિયમ નોકરી ધંધામાં જોડાયા. તે દરમિયાન લંડનની એક સારી ગણાતી કંપનીમાં તેમને થોડું મનગમતું કામ મળી ગયું. નાટક લખવાની ઇચ્છા થઇ અને જુદા જુદા થિયેટરોમાં થોડી ઘણી કલમ ઘસ્યા પછી ગ્લોબ થિયેટરમાં તેમની કલમ ઝળકી. મેકથેબ, જુલિયસ સિઝર, ઑથેલો, હેમ્લેટ, રોમિયો અને જુલિયેટ, કિંગલીઅર વગેરે તેમની સર્વશ્રેષ્ઠ કૃતિઓ છે. સર્વકાળના સર્વશ્રેષ્ઠ કવિ તરીકે પોતાની નામના તેમણે અંકિત કરી. ૩૭ નાટકો અને ૧૫૪ સૉનેટોની વિપુલ સાહિત્ય સમૃદ્ધિ મૂકી. પોતાની જન્મતારીખ એપ્રિલની ૨૩ તારીખે ઇ.સ. ૧૬૧૬ માં શેક્સપિયરે આ જગતમાંથી વિદાય લીધી. 

Saturday 22 April 2017

૨૨ મી એપ્રિલ

મુરલીધર ઠાકુર

              ગુજરાતી કવિ મુરલીધર ઠાકુરનો જન્મ ઇડર પાસેના સુવેર ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી, ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સ્થિતી સારી ન હોવાથી છતાં યાતનાઓ વેઢી આપમેળે જ કૉલેજનું શિક્ષણ મેળવ્યું. અને મુંબઇની કૉલેજમાં પ્રધ્યાપક તરીકે કાર્યરત થયા.
        પ્રકાશન કાર્ય, ફિલ્મ સેન્સર બોર્ડમાં સભ્યપદ અને મુંબઇના આકાશવાણીના ગુજરાતી વિભાગનું નિર્માદાપદ એમ વિવિધ ક્ષેત્રે પોતાના વ્યક્તિત્વની મહેકથી આગવી પ્રતિષ્ઠા સંપાદિત કરી. જે કાર્ય હાથમાં લે તેને દઢ્ આત્મવિશ્વાસથી પાર પાડતા. રેડિયો સ્ટેશન પર જ તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો. સારવાર કારગત ન નીવડતાં ૨૨.૦૪.૧૯૭૫ ના રોજ તેમનું અવસાન થયું.


૨૧ મી એપ્રિલ

મોરિસ વિલ્સન


                એવરેસ્ટને ચઢવાનો નિશ્ચય કરનાર પર્વતારોહક મોરિસ વિલ્સનનો જન્મ ઇંગ્લેન્ડમાં ૨૧.૦૪.૧૮૯૮ ના રોજ થયો હતો. બાળપણથી જ તેમનામાં પૂર્ણ આત્મવિશ્વાસ અને અદભૂત સાહસશક્તિ હતી. તેમને અચળ શ્રદ્ધા હતી કે દુનિયાના તમામ રોગ-સંતાપનું નિવારણ માત્ર પ્રાર્થના અને ઉપવાસમાં રહેલું છે. મોરિસે અમુક ઊંચાઇ સુધી એવરેસ્ટ પર વિમાનમાં જવાનું નક્કી કર્યું. એક જુનું વિમાન ખરીદી પોતાનો જવાનો દિવસ જાહેર કર્યો. પરંતુ સરકારે પરવાનગી ન આપી છતાં ત્રણ અનુભવી શેરપાઓની, મદદથી છાનામાના તે ૫૦૦૦ મીટરની ઊંચાઇએ પહોંચ્યા. થોડે ઊંચે જતાં જ તેમની કસોટી શરૂ થઇ. એની શક્તિ હણાઇ  ચૂકી હતી. પરંતું તેમનો ઉત્સાહ અદમ્ય હતો. આગળનો માર્ગ અતિ ખતરનાક હતો, અત્યાર સુધી કોઇ માણસ અહીંથી આગળ ગયો ન હતો. ૩૧ મી મે ગુરૂવારે વહેલી સવારે વિલ્સને પોતાની ડાયરીમાં નોંધ્યું છે કે પુન:પ્રયાણ કેવો મહાન છે આ દિવસ વિલ્સનની ડાયરીનું આ અંતિમ લખાણ.  

Friday 21 April 2017

અન્નામણિ

અન્ના મણિ

                    મહાન ભારતીય વૈજ્ઞાનિક અન્નામણિ ની સફળતા ની વાર્તા પુરુષો અને મહિલાઓને પ્રેરણારૂપ છે. તેમના સમયગાળા દરમિયાન લિંગ તફાવતની બાબતોનો તેમણે સફળતાપૂર્વક સામનો કર્યો. તેમણેપોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે નાની નાની ભૂલો પર પણ મહિલાઓને અક્ષમ સાબિત કરવા માટે પોતાના સાથી પુરુષ મિત્રો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હતા. તેમણે એ પણ બતાવ્યુ છે કે મહાન વૈજ્ઞાનિક સી.વી. રામન દ્વારા પણ પુરુષ વૈજ્ઞાનિકો સાથેના વિચાર-વિમર્ષ દરમિયાન પણ મહિલા પ્રશિક્ષાર્થીઓને અળગા રાખવામાં આવતા હતા. આ પરથી કહી શકાય કે તેમના સમયમાં મહિલાઓ માટે વિજ્ઞાન ક્ષેત્રમાં સ્થાન જમાવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે. 
           અન્ના મોડિયાલ મણિ નો જન્મ ૨૩ મી ઓગસ્ટ ૧૯૧૮ ના રોજ ભારતના કેરલ રાજ્યના પીરમેડુ માં એક ઇસાઇ પરિવારમાં થયો હતો. તેઓ અમીર માતા-પિતાના સાતમા સંતાન હતા. તેમને પાંચ ભાઇઓ અને બે બહેનો હતી. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા અને તેમની પાસે ઇલાયચીના મોટા બગીચા હતા.
             અન્ના મણિને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો અને બાર વર્ષની અલ્પાયુમાં જ તેમણે સ્થાનિક પુસ્તકાલયમાં રાખેલી અંગ્રેજી અને મલયાલમ ભાષાના બધા પુસ્તકો વાંચી લીધા હતા. પોતાના આઠમા જ્ન્મ દિવસ પર પરિવારના રીતરિવાજ મુજબ આપવામાં આવેલા હીરાના કુંડળોનો અસ્વીકાર કરીને ઇન્સાઇક્લોપેડિયા  બ્રિટાનિકા (Encyclopaedia Britannica) ખરીદી. આ તેમનો પુસ્તક પ્રત્યેનો લગાવ દર્શાવે છે.
              ઇ.સ.૧૯૨૫ માં ગાંધીજી અન્ના મણિના શહેરમાં આવ્યા અને અને ત્યાં તેમણે આત્મનિર્ભરતા અને વિદેશી કપડાંના બહિષ્કારની  વાત કરી. ગાંધીજીનો અન્ના મણિ પર ઘણો પ્રભાવ પડ્યો. તે સમયે તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ માં સામેલ ન હતા  છતાં પણ ખાદી પહેરવાનો નિર્ધાર કર્યો અને આજીવન ખાદી જ પહેરી. વ્યક્તિગત આઝાદી માટે પણ તેમ્ણે નિર્ધાર કર્યો અને પોતાની બહેનોની જેમ લગ્ન ન કરીને શિક્ષિત થવાનો નિર્ણય કર્યો અને આજીવન અવિવાહિત રહ્યા. 
              ઉચ્ચ શિક્ષણ મેળવવાના તેમના નિર્ણય પ્રત્યે પરિવારે વિરોધ તો ન દર્શાવ્યો પણ પૂરતી રુચિ દાખવી ન હતી. તે સમયે પુરુષોને ઉચ્ચ શિક્ષણ પૂરુ પાડવામાં આવતું હતું પણ સ્ત્રીઓને ફક્ત જરૂર પૂરતું અક્ષરજ્ઞાન આપવામાં આવતું હતું કે જે લગ્ન બાદ ઘરસંસાર ચલાવવામાં ઉપયોગી નીવડે.
             તેમણે ઇ.સ. ૧૯૪૦ માં મદ્રાસની પેરસીડેન્સી  કોલેજથી ફિજિક્સ ઓનર્સ ની ડિગ્રી પ્રાપ્ત કરી.તેમને બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા આગળના રિસર્ચ માટે શિષ્યવૃતિ પણ મળી.તેમણે સી.વી. રામન ની પ્રયોગશાળામાં ગ્રેજ્યુએટ સ્કોલર ના રૂપથી પ્રવેશ પણ મેળવી લીધો હતો. સર સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ તેમણે હીરો અને માણેક (રૂબી) ના વર્ણક્રમ (Spectroscopy) પર સંશોધન કર્યું. તેના માટે તેમને ફોટોગ્રાફિક પ્લેટ્સ ને લાંબા સમય માટે પ્રકાશમાં રાખવી પડતી હતી જેથી તેઓ મોટા ભાગે પ્રયોગશાળામાં જ સૂઇ જતા હતા.  
             લાંબા પ્રયાસ અને મહેનતથી તેમણે ૧૯૪૨ થી ૧૯૪૫ ની વચ્ચે પાંચ સંશોધન પત્રો તૈયાર કર્યા અને મદ્રાસ યુનિવર્સિટીને પોતાની પી.એચ.ડી. ના  સંશોધનો રજૂ કર્યા.  આ દરમિયાન અન્ના મણિ દ્વારા એમ.એસ.સી. ન કરવાના કારણે યુનિવર્સિટીએ તેમને પી.એચ.ડી. ની ડિગ્રી એનાયત ન  કરી. જોકે આ કાગળની ડિગ્રી ન મળવાના કારણે તેમના સંશોધન અને વિજ્ઞાન પ્રતિ તેમના રસ અને રુચિને ઓછપ ન આવી અને કોઇ પ્રતિકૂળ પ્રભાવ ના પડ્યો. આજે પણ તેમના આ સંશોધન પત્રો સી.વી. રામન રિસર્ચ લાઇબ્રેરીમાં સન્માનપૂર્વક સાચવી રખાયેલા છે. થોડા સમય પછી અન્નામણિને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે સરકાર તરફથી શિષ્યવૃતિ મળી. તેમણે ઇમ્પીરિયલ કૉલેજ લંડનથી મોસમ-વિજ્ઞાન સંબંધી ઉપકરણોની ઉપયોગિતામાં નિપુણતા પ્રાપ્ત કરી. અન્નામણિ ૧૯૪૮ માં ભારત પરત આવી અને પૂણે સ્થિત મોસમ વિભાગમાં જોડાયા અને ત્યાં તેમને રેડિયેશન ઉપકરણના નિર્માણ કાર્યના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. તે સમયે મોસમ પરીક્ષણના નાનામાં નાના ઉપકરણો પણ વિદેશથી આયાત કરવામાં આવતા હતા. અન્ના મણિએ ઓછા સમયમાં મોસમ-વિજ્ઞાનના ઉપકરણોના ભારતમાં ઉત્પાદનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને જલ્દી જ અન્ના મણિએ ભારતીય વૈજ્ઞાનિકો અને કાર્યશીલ ઇજનેરોની ટીમ તૈયાર કરી અને ૧૦૦ થી વધુ મોસમ સંબંધી ઉપકરણોનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. અન્નામણિને સૌર ઊર્જાના ઉત્પાદનમાં વધુ રસ હોવાથી ભારતમાં સૌર ઊર્જા ના ઉત્પાદન માટે વિકાસ કરવાનું વિચાર્યું. ૧૯૫૭-૫૮ ના વર્ષમાં તેમણે ભારતમાં સૌર ઊર્જાના વિકાસ માટે કાર્ય શરૂ કર્યુ અને શરૂઆતમાં વિદેશી ઉપકરણોના માધ્યમથી અને ત્યારબાદ દેશમાં બનાવેલ ઉપકરણોની મદદ લેવા માંડી.
               ૧૯૬૦ માં એમણે ઓઝોન વાયુ પર અધ્યયન શરૂ કર્યું, આ વિષય તે સમયમાં લોકપ્રિય ન હતો. તેમણે ઓઝોનની ઘાતક અસરો વિશે સમજ આપી અને ઓઝોન વાયુનું પ્રમાણ માપવા માટેનું ઉપકરણ ઓઝોનસોન્ડે ના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. જેના કારણે ભારત દેશ વિશ્વના એ દેશોમાં સામેલ થઇ ગયો કે જેની પાસે આ પ્રકારનું પોતાનું ઉપકરણ હોય. અન્ના મણિને આ મહત્વ પૂર્ણ યોગદાન બદલ વર્લ્ડ મેટ્રોલોજીકલ એસોસિયેશન તરફથી ઓઝોન કમીશનના સદસ્ય ઘોષિત કર્યા હતા.  
              ૧૯૭૫ માં તેમણે મિસ્ર ના વર્લ્ડ મેટરોલોકન ઓર્ગેનાઇઝેશન ના વિકિરણ અનુસંધાનના માનનીય સલાહકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૭૬ માં અન્ના મણિ ભારતીય મૌસમ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે સેવા બજાવીને નિવૃત થયા. અને ત્યારબાદ રમણ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કાયમ રહ્યા. અને નવા જોડાનાર વૈજ્ઞાનિકોને પોતાના અનુભવ અને જ્ઞાનનો લાભ આપવા લાગ્યા. 
             તેમના દ્વારા લખાયેલ બે પુસ્તકો હેન્ડબુક ઓફ રેડિયેશન ડેટા ફોર ઇન્ડિયા (૧૯૮૦) અને સોલાર રેડિયેશન ઓવર ઇન્ડિયા (૧૯૮૧) સૌર ઊર્જા પર સંશોધન કરનારા ઇજનેરો અને વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ સાબિત થયા. એક દૂરદર્શી વૈજ્ઞાનિક તરીકે તેમણે ભારતમાં પવનઊર્જા ની સંભાવનાઓ માટે સંશોધન કર્યું અને પવન ઊર્જાના સ્ત્રોત અને તેની ગતિ તેમજ મહત્વના વિસ્તારો પર સંશોધન કરી તેના આંકડા ૧૯૮૩ માં પ્રકાશિત કર્યા. આજે ભારત પવન ઊર્જાના ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે તેમાં મહત્વનો ફાળો અન્નામણિનો છે. કેટલાય વર્ષો તેમણે સૌર ઊર્જા અને હાવા માપનના ઉપકરણો બનાવતી નાની કંપની સાથે જોડાઇ રહ્યા. 
              અન્ના મણિ પ્રકૃતિ પ્રેમી પણ હતા. પહાડો પર ઘૂમવું અને પક્ષીઓની ગતિવિધિઓને ધ્યાનથી નિરિક્ષણ કરવું તે એમનો શોખ હતો. તેઓ અનેક સંસ્થાઓ જેમ કે- ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી, અમેરિકન મિટિરયોજિકલ સોસાયટી અને ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી ના સભ્ય તરીકે રહ્યા. ૧૯૮૭ માં એમણે નેશનલ સાયન્સ એકેડમી તરફથી કે.આર. રામનાથન પદકથી સન્માનિત કર્યા.
         ૧૯૯૪ માં તેમને સ્ટ્રોક આવ્યા અને પથારીવશ થઇ ગયા. ૧૬ મી ઓગસ્ટ ૨૦૦૧ માં તિરુવનંતપુરમમાં તેમનું અવસાન થયું.



Thursday 20 April 2017

૨૦ મી એપ્રિલ

પન્નાલાલ ઘોષ


               બાંસુરીના સગીત સ્વામી પન્નાલાલ ઘોષનો જન્મ પૂર્વ બંગાળના બરિસાલ જિલ્લામાં થયો હતો. બાળપણથી જ તેમને સંગીતની લગની લાગી હતી. વળી વારસામાં જ તેમને સંગીત મળ્યું હતું. જુદા જુદા કલાગુરૂઓ પાસેથી સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી. તે દરમિયાન તેઓ આકાશવાણીના કલકત્તા વિભાગમાં આર્ટિસ્ટ તરીકે જોડાયા હતા. ગાંધીજી પણ પન્નાલાલ ઘોષના બંસીવાદનથી મુગ્ધ થયા હતા. પન્નાલાલને પોતાના હસ્તાક્ષરમાં પ્રમાણપત્ર પણ આપ્યું હતું. ખયાલ, ઠુમરી, ખટક, મુરકી વગેરે રાગો ઉતારી વાંસળીમાં આ બધુ વગાડીને બંસરીને આદરપાત્ર બનાવી હતી. ૨૦.૦૪.૧૯૬૦ ના રોજ તેમનું અવસાન થયું. 

૧૯ મી એપ્રિલ

તારાબેન મોડક

                 શ્રીમતી તારાબહેન મોડકનો જન્મ તા. ૧૯.૦૪.૧૮૯૨ ના રોજ થયો હતો. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, પોતાની બધી શક્તિઓને એમણે બાલશિક્ષણમાં વાપરી, સમાજની સેવા કરી. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાયા. તારાબહેન ગાંધીજીની પ્રેરણાથી કોસવાડમાં આદિવાસી બાળકો માટે પારણા ઘર, બાલવાડી, પ્રાથમિક શાળા, રાત્રી શાળાઓ જેવી શિક્ષણ સંસ્થાઓની પરંપરા શરૂ કરીને કેળવણીનો યજ્ઞ શરૂ કર્યો. તેઓ મોન્ટેસરી સંમેલનમાં ભાગ લેવા યુરોપ પણ ગયા હતા. તેમણે બાળસાહિત્યના પુસ્તકો ઉપરાંત શિક્ષણ અંગેનાં ઘણા પુસ્તકો પણ લખ્યાં છે. ભારત સરકારે તેમને પદ્મભૂષણ ખિતાબ અર્પણ કરીને તેમનું બહુમાન કર્યું હતું. બાળકોને સમજવાની અને તેમને પ્રેમથી વશ કરી લેવાની તેમનામાં જન્મજાત શક્તિ હતી. ૮૧ વર્ષની વયે મુંબઇમાં તેમનું થયું ત્યારે કેળવણી કારોએ ગુજરાતના મોન્ટેસરી કહીને બિરદાવ્યા હતા.


લાલા હંસરાજ

         લાલા હંસરાજનો જન્મ તા. ૧૯.૦૪.૧૮૬૧ ના રોજ પંજાબના એક ગરીબ ખત્રી પરિવારમાં થયો હતો. કૉલેજ પૂર્ણ કર્યા બાદ મિત્ર ગુરૂદત્ત સાથે મળી ૧૮૮૨ માં રીજનરેશન ઓફ આર્યાવર્ત નામનું એક અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું હતું. તેઓ આર્યસમાજમાં જોડાયા.

        સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન બાદ દયાનંદ એંગ્લો વૈદિક કૉલેજ ની લાહોરમાં સ્થાપના કરી. માત્ર પચ્ચીસ રૂપિયા જેટલું માનદ વેતન લઇ તેઓએ કુલપતિ પદ સંભાળ્યું હતું. તેમણે શિક્ષણ દ્વારા સમાજ-સુધારણાનો સિદ્ધાંત અપનાવ્યો હતો.  

૧૮ મી એપ્રિલ

ચાર્લ્સ ડાર્વિન


           ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિનનો જન્મ ઇ.સ. ૧૮૦૯ માં ઇંગલેન્ડમાં થયો હતો. બાળપણથી જ ચાર્લ્સ ની જીવજંતુના સૂક્ષ્મ નિરીક્ષણની અને નોંધ કરવાની આવડત અદભૂત હતી. તેમનું પુસ્તક જાતિઓની ઉત્પતિ માં રજૂ થયેલા તદ્દન નવા વિચારોથી સનસનાટી વ્યાપી ગઇ. માણસ વાનરનો વંશજ છે તે વાત લોકો કેમ સહન કરી શકે? ડાર્વિનના આ સિદ્ધાંતની ખ્રિસ્તી ધર્મની સર્જન વિશેની જૂની માન્યતાના મૂળમાં પણ ઘા પડ્યો. પ્રાચીનતમ સમયમાં ઘેટાં, બકરાં ને ઘોડાની માફક મનુષ્ય અને વાનરનો પણ એક સામાન્ય પૂર્વજ હતો એ ડાર્વિનના સિદ્ધાંતનો કેન્દ્ર વિચાર છે. તેમણે સાબિત કર્યું કે માનવીની ઉત્ક્રાંતિ દરમિયાન તેના મગજનો વિકાસ થયો. તેમણે છેલ્લા શ્વાસ સુધી પ્રકૃતિનો ભેદ જાણવાનું કાર્ય ચાલું રાખ્યું. તા. ૧૮.૦૪.૧૮૮૨ માં તેમનું અવસાન થયું.  

૧૭ મી એપ્રિલ

સિરિમાવો ભંડારનાયક


              વિશ્વના પ્રથમ સ્ત્રી વડા પ્રધાન શ્રીમતી સિરિમાવો ભંડારનાયકનો જન્મ તા. ૧૭.૦૪.૧૯૧૬ ના રોજ થયો હતો. અભ્યાસ કોલંબોની ચુસ્ત ખ્રિસ્તી શાળામાં કરેલો હોવા છતાં તેઓ બૌદ્ધ ધર્મમાં ઊંડી શ્રધ્ધા ધરાવતા હતા. એ વખતના સ્થાનિક વહીવટના પ્રધાન શ્રી સોલોમાન સાથે તેમના લગ્ન થયા. ઇ.સ. ૧૯૫૯ માં તેમના પતિની હત્યા થતાં લંકા ફ્રીડમ પાર્ટી પક્ષનું સુકાન સોંપી પ્રજા તેમને લંકાના વડાપ્રધાન પદે લાવવા ઇચ્છતી હતી. પક્ષના અને પ્રજાના પ્રેમ અને આગ્રહથી વડાપ્રધાન પદ સ્વીકાર્યું. એટલું જ નહી, એ જવાબદારી વિકટ પરિસ્થિતીમાં પણ ભારે કુનેહથી ઉપાડી. 
         શ્રીલંકાના શાસનની દોરી સંભાળ્યા બાદ તેમણે પોતાના દેશને વિકાસની રાહ પર પર લાવ્યા હતા. સાથે સાથે ગૃહિણી તરીકેની ફરજ પણ બજાવી પોતાના બાળકો સાથે રજાના દિવસો ગળતા ઇ.સ. ૨૦૦૦ માં તેમનું અવસાન થયું.  

૧૬ મી એપ્રિલ

ચાર્લી ચેપ્લીન

                  જગવિખ્યાત હાસ્યનટ ચાર્લી ચેપ્લીનનો જન્મ તા.૧૬.૦૪.૧૮૮૯ ના રોજ લંડનમાં થયો હતો. બાળપણથી જ તેમણે મંચ પર કામ કરવાનું શરૂ કર્યુ હતું. ત્યારબાદ અમેરિકા પહોંચી, ત્યાં નાની નાની મુંગી ફિલ્મોમાં આભિનય આપવા માંડ્યો. ચાર્લીને પ્રથમ વિખ્યાત પ્રહસન ફિલ્મ કિડ ઓટો રેસિસ એટ વેનિસ હાસ્ય તેમજ કરૂણા સભર એક સુંદર અને પ્રસિદ્ધિ પામેલ ફિલ્મ છે. તો ધી ગ્રેટ ડિક્ટેટર ફિલ્મમાં તેમણે હિટલર અને એના સાથીઓની નકલ દ્વારા એમના પર અજબ કટાક્ષ કર્યો હતો.એમણે લગભગ ૩૫ જેટલી નાની ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. એ બીઝી ડે માં ઇર્ષાળું પત્નિ અને એ વુમન માં નાયિકાનો સ્ત્રીપાઠ તેમણે ભજવ્યો હતો. 
            પોતાનાથી નાની ઉંમરની યુવતી સાથે લગ્ન કર્યા હોવાથી ભારે ચર્ચાના ચકડોળે ચઢ્યા હતા. ઇ.સ. ૧૯૭૭ માં આ આ વિખ્યાત હાસ્યનટનું અવસાન થયું. માથે હેટ, ઢીલું પાટલૂન, હિટલરી મૂંછો, હાથમાં લાકડી, અટપટી ચાલ, ભોળો દેખાતો ચહેરો આ તેમની ઓળખાણ છે.


Thursday 13 April 2017

૧૫ મી એપ્રિલ

લિઓનાર્દો દ વિન્ચી

        એક અકલ્પનીય જીનીયસ લિઓનાર્દો દ વિન્ચીનો જન્મ ૧૫.૦૪.૧૪૫૨ ના રોજ ઇટાલીના એક નાના ગામમાં થયો હતો. બાળપણથી જ ચિત્રકારીમાં એમણે સારી સિદ્ધિ મેળવી હતી. તે મહાન પેઇન્ટર તો બન્યા પરંતુ તે એથી પણ મહાન વિજ્ઞાની હતા. મશીન ગન, સનમરીન તેમજ બે માળવાળું વહાણ પણ બનાવ્યું હતું. ઉગ્ર કલા સાધનાના અંતે તેમણે મોનાલિસા ચિત્રનું સર્જન કર્યું. આ સાથે તેઓ એક વીણા જેવા વાદ્યના શોધક પણ હતા. દુનિયાની સૌપ્રથમ મોટી ઘડિયાળના સંશોધક તરીકે બહુમાન પણ તેમણે મેળવ્યું છે. તેમણે હેલિકોપ્ટરની ડિઝાઇન પન બનાવેલી. ૧૫૧૯ માં તેમનું અવસાન થયું.


ગુરુ નાનક

   શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકનો જન્મ ૧૫.૦૪.૧૪૬૯ ના રોજ પાકિસ્તાનમાં આવેલા લાહોર જિલ્લાના તલવંડી નામના ગામામાં થયો હતો. સંસ્કૃત ભાષાનું જ્ઞાન પંડિત વ્રજનાથ શર્મા પાસેથી મેળવ્યું હતું.
     નાનપણથી જ નાનકમાં દયાભાવ હતો. ખેતરમાં ચણ ચણતાં પંખીઓને ઉદ્દેશીને ગાતા હતા કે :- રામ કી ચિડિયા, રામ કા ખેત, ખા લો ચિડિયા ભર ભર પેટ’,

     બનેવીની ભલામણથી સરકારી નોકરી મળી પરંતુ તેઓ સાધુસંતોને ઉદાર હાથે ભંડારમાંથી અનાજ આપી દેતા હતા તેથી નોકરી ગુમાવી. તે પછી નાનકનું મન સંસારમાંથી ઊઠી ગયું. જંગલમાં ગયા અને તપશ્ચર્યા કરી. 

૧૪ મી એપ્રિલ

ડૉ. ભીમરાવ આંબેડકર

         દલિત ઉદ્ધારક ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના એક ગામમાં તા. ૧૪.૦૪.૧૮૯૧ ના રોજ થયો હતો. બી.એ. થયા પછી વડોદરા રાજ્યની આર્થિક સહાયથી અમેરિકા જઇ પી.એચ.ડી. થયા અને તેમણે મંબઇ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી. લંડનમાં ભરાયેલી ત્રણ ગોળમેજી પરિષદોમાં અંત્યજોના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. પૂના કરાર મુજબ હરિજનોને અનામત બેઠકો તેમણે અપાવી હતી કાયદા પ્રધાન હોવાને નાતે તેમણે માત્ર અછૂતોના હિત માટે નહિ પરંતું સમગ્ર ભારતવાસીઓને નજર સમક્ષ રાખીને વિશ્વમાં અજોડ કહી શકાય એવું બંધારણ ઘડી કાઢ્યું. એમના જીવનના ત્રણ આધારભૂત સિદ્ધાંતો હતા. શિક્ષિત બનો’, સંગઢિતબનો’, અને સંઘર્ષ કરો’.
          તેઓ કહેતા: સમાજે મારો બહિષ્કાર કર્યો છે પણ મને હ્રદયમાં સ્થાન આપ્યું છે. ભારત સરકારે તેમને મરણોત્તર ભારતરત્ન ખિતાબ અર્પણ કર્યો. ઇ.સ. ૧૯૫૬ ના એક દિવસે પોતાના અંતિમ પુસ્તક ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ ની પ્રસ્તાવના લખીને સૂઇ ગયા એ એમનો અંતિમ શ્વાસ હતો.


૧૩ મી એપ્રિલ

રતુભાઇ અદાણી


             ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિરાટ સંસ્થા સમાન રતુભાઇ અદાણીનો જન્મ ૧૩.૦૪.૧૯૧૪ માં ભાણવડ મુકામે થયો હતો. જેલમાં રવિશંકર મહારાજના સહવાસથી ગીતા શીખ્યા. જેલમાંથી છૂટ્યા બાદ રચનાત્મક પ્રવૃતિનું થાણું નાંખી સર્વોદય મંદિર સંસ્થા શરૂ કરી. ગામડાઓમાં લોકશિક્ષણનું કાર્ય કર્યું. આરઝી હકૂમત ની લોકસેનાના સરસેનાપતિ તરીકે આયુધો ધારણ કરી રતુભાઇએ જૂનાગઢના મોરચા પર પ્રશસ્ય કામગીરી બજાવી. ચૂટણીમાં કેશોદમાંથી જંગી બહુમતીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. કેશોદની અક્ષયગઢની હૉસ્પિટલને પાત્ર રુગ્ણાલય જ નહિ પણ રળિયામણું આરોગ્યધામ બનાવ્યું. ઇ.સ. ૧૯૯૭ ના એક દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા. 

૧૨ મી એપ્રિલ

વિનુ માંકડ


           વિશ્વ વિખ્યાત ઓલરાઉન્ડર માંકડનો જન્મ૧૨.૦૪.૧૯૧૭ ના રોજ જામનગર ખાતે થયો હતો. ટેસ્ટમાં બે હજાર અને સો વિકેટોની સિદ્ધિ મેળવી હતી. સર ડોનાલ્ડ બ્રેડમેને પોતાની સહી અને ફોટો વાલો પત્ર માંકડને આપ્યો હતો. જેમાં લખ્યું હતું કે :”વેલબોલ્ડ માંકડ આઇ એમ હાઇલી ઇમ્પ્રેસ્ડ વિનુ માંકડ આ વાંચી ખુશ  થતાં જણાવ્યું હતું કે મારા માટે આ અદભૂત માનપત્ર છે. તેમને મન ક્રિકેટ, દેશ, ટીમ એ જ કાયમ મહત્વના રહ્યા છે. આ ત્રણનું હિત સાચવવામાં, એમની સેવા કરવામાં તેમણે શરીર, અંગત સિદ્ધિ, યશ કે અપયશની પરવા નથી કરી. ઇ.સ. ૧૯૭૮ માં મંબઇખાતે વિનુ માંકડનું અવસાન થયું.   

૧૧ મી એપ્રિલ

લ્યુથર બર્બેન્ક


                              મહાન વનસ્પતિશાસ્ત્રી લ્યુથર બર્બેન્કનો જન્મ અમેરિકાના ન્યૂ ઇંગેલેન્ડના પ્રાંતમં ઇ.સ. ૧૮૪૯ માં એક ગરીબ ખેડૂતને ત્યાં થયો હતો. શાળામાં નહિવત્ત શિક્ષણ લીધું, પરંતું તેમને વાંચનનો ખૂબ જ શોખ હતો. વિવિધ વિષયોના પુસ્તકો વાંચી શરીરશાસ્ત્ર, પ્રકૃતિ અને વનસ્પતિ સૃષ્ટિ વિષે વધુ અભ્યાસ કરવાની ભૂખ ઉઘડી. શાળા છોડીને હળ બનાવતા કારખાનામાં તેમણે નોકરી લીધી. લ્યુથેરે ખેતરમાં સૌથી સારી જાતના અને વધુ પ્રમાણમાં શકભાજી તથા ફળો ઉગાડીને તેમણે કિર્તી સંપાદન કરી. મોટા સુંદર બટાટા, ગુલાબ અને બીજા અસંખ્ય ફૂલો તેમણે આપેલી સુંદર ભેટ છે. તેમણે વિશિષ્ટ જાતના પ્લમકોટતથા શાષ્ટા ઉગાડ્યા અને તે દ્વારા તે ખૂબ જ વિખ્યાત થયા. મહાન વનસ્પતિ વિજ્ઞાની તા. ૧૧.૦૪.૧૯૨૬ ના રોજ અવસાન પામ્યા.   

૧૦ મી એપ્રિલ

છત્રપતિ શિવાજી


                 છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ તા. ૧૦.૦૪.૧૬૨૭ ના રોજ પૂના નજીક શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમણે તરુણા અવસ્થામાં જ ખૂબ ઉત્સાહથી ઘોડેસવારી, ભાલાફેંક, પર્વતારોહણ, મલયુદ્ધ, ભવાની તલવાર ચલાવવાનું શીખી લઇ, પોતાની તેજસ્વિતા પુરવાર કરી. લોકોને સંગઠિત કરી સિંહલગઢ, તોરણા, રાજગઢ, બારામતી, જાવલી વગેરે સંખ્યાબંધ કિલ્લાઓ જીતી મોગલ સેનાપતિઓ અને શહેનશાહ ઔરંગઝેબની ઊંઘ હરામ કરી દીધી. શિવાજીએ હિંદી સામ્રાજ્ય ઊભું કર્યું. સંપૂર્ણ શાસ્ત્રોક્ત હિંદુ વિધિ મુજબ તેમનો રાજ્યાભિષેક થયો અને શિવાજી છત્રપતિ શિવાજી કહેવાયા. ઇ.સ. ૧૬૮૦ માં અનેરી સિદ્ધિ મેળવીને જગત પરથી વિદાય લીધી. 

૯ મી એપ્રિલ

રાહુલ સાંકૃત્યાયન


           મહાપંડિત રાહુલ સાંકૃત્યાયનનો જન્મ ઉત્તરપ્રદેશના એક ગામમાં તા. ૦૯.૦૪.૧૮૯૩ ના રોજ થયો હતો. જ્ઞાનાર્જનની તીવ્ર પીપાસા સંતોષવા ઘેરથી નાસી જઇ બિહારના એક મઠમાં અભ્યાસ કરવા માંડ્યો અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. લગભગ ૧૭૫ જેટલી કૃતિઓના વિશાળ ફલક પર એમણે રાજનીતિ,ધર્મ, સમાજશાષ્ત્ર, નવલકથાઓ, નાટકો વગેરે અનેક વિષયોપર આલેખન કર્યું. વિશ્વની કુલ ૩૬ ભાષાઓ તેઓ જાણતા. ભારત સરકારે તેમને પદ્મભૂષણ પણ બનાવ્યા. ઇ.સ. ૧૯૬૩ માં દાર્જિલિંગમાં તેમનું અવસાન થયું. 

૮ મી એપ્રિલ

રામનારાયણ પાઠક 
              
         ‘શેષ’, દ્વિરેફ’, સ્વૈરવિહારી જેવા વિવિધ તખલ્લુસોથી સાહિત્યના વિવિધ ક્ષેત્રોની સાધના કરનાર પ્રાજ્ઞ વિદ્યાપુરૂષ  રામનારાયણ પાઠકનો જન્મ ૦૮.૦૪.૧૮૮૭ ના રોજ ધોળકા પાસેના એક ગામમાં થયો હતો. મેટ્રિક પાસ થયા પછે એલ.એલ.બી. થઇ વકીલાત કરવા લાગ્યા. તેમના સાહિત્યિક વિકાસના નિમિતરૂપ પ્રસ્થાન માસિકનો પ્રારંભ થયો. પોતાના નામમાં બે કાર આવતા હોવાથી પોતાનું ઉપનામ દ્વિરેફ રાખી તેમણે દ્વિરેફની વાર્તાના ત્રણ ભાગ પ્રગટ કર્યા. શેષના કાવ્યો જેવો નમૂનેદાર કાવ્યસંગ્રહ પણ આપ્યો. તેમને અનેક સન્માન અને પારિતોષિક પ્રાપ્ત થયા છે. જેમાં નર્મદ સુવર્ણચંદ્રક’, મોતીસિંહજી મહીડા સુવર્ણચંદ્રક તેમજ હરગોવિદદાસ કાંટાવળા પારિતોષિક નો સમાવેશ થાય છે. તેમણે બૃહત પિંગળમહાગ્રંથ એમની સંશોધન શક્તિનો કીર્તિકળશબની રહ્યો. તેમને નર્મદ સુવર્ણચંદ્રક તથા દિલ્લી સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક એનાયત થયા.

       બહુશ્રુતતા, વિદ્વતા, વિદ્ગ્ધતા અને સહદયતા એમની તેજસ્વી બહુમુખી પ્રતિભાના મુખ્ય લક્ષણો છે. એમનામાં સાક્ષરપેઢી અને ગાંધીયુગના સંસ્કારોનો શુભ સમન્વય થયો હતો. આવા બહુમુખી પ્રતિભા ધરાવનાર પાઠકનું મુબઈમાં હદયરોગના હુમલાથી તા.૨૧/૮/૧૯૫૫ ના રોજ અવસાન થયું હતું.