Thursday 5 November 2015

૩૦ મી ઓક્ટોબર

દયાનંદ સરસ્વતી
             આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી પાસેના ટંકારા ગામમાં થયો હતો. મહાશિવરાત્રીની પૂજા કરતા મૂળશંકરને શિવલિંગ ઉપર ઉંદરો ફરતા જોયા અને મૂર્તિપૂજાના આડંબર, રહસ્યને શોધવા પાછળ પોતાના જીવનના શ્રેષ્ઠ વર્ષો ખર્ચીને ભારતને સાચા વૈદિક ધર્મની ઓળખ કરાવી. પચીસ વર્ષની વયે સન્યાસ લીધો.
                ૫૧ વર્ષની વયે તેમણે આર્યસમાજની સ્થાપના કરી. હિંદીનું માહાત્મ્ય સમજી તેમણે સત્યાર્થપ્રકાશ હિંદીમાં લખ્યું. સમાજ સુધારણા અને અસ્પૃશ્યતા નિવારણની  બાબતમાં તેમણે ભગીરથ કામ કર્યુ. વિરોધીઓએ  દૂધમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું. દીપાવલીના મંગળ દિને તા. ૩૦-૧૦-૧૮૮૩ના રોજ તેમનું અવસાન થયું.




અણુવિજ્ઞાની ડૉ. હોમી ભાભા

          ભારતને અણુવિજ્ઞાન ક્ષેત્રે ખ્યાતિ અપાવનાર, ભારતમાં અણુવિજ્ઞાન-યુગના પ્રણેતા ડૉ. હોમી જહાંગીર ભાભાનો  જન્મ તા. ૩૦-૧૦-૧૯૦૯ ના રોજ મુંબઇમાં એક સુખી અને સંસ્કારી પારસી પરિવારમાં થયો હતો. તેઓ  ભણવામાં પહેલેથી જ તેજસ્વી હતા. વિજ્ઞાન એમનો પ્રિય વિષય હતો.
            વધુ અભ્યાસ કરવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. ત્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની  બધી જ પરીક્ષાઓ પ્રથમ નંબરે પાસ કરી ૧૯૩૦માં તેઓ એન્જિનિયર બન્યા. ૧૯૩૪માં પી.એચ.ડી.ની ઉપાધિ મેળવી અભ્યાસ દરમિયાન તેમણે ક્વોન્ટમ થિયરી, ચુંબકીય ક્ષેત્રે અને કોસ્મિક કિરણો જેવા વિષયોમાં સંશોધન કરી મહત્વનું યોગદાન આપ્યું.

            ભારત સરકારે ૧૯૪૮માં એટમિક એનર્જી કમિશનની સ્થાપના કરી. તેના પ્રથમ ચેરમેન તરીકે ડૉ.હોમી ભાભાની નિમણૂંક કરવામાં આવી. ભારત સરકારે ડૉ. હોમી ભાભાની સેવાઓને ધ્યાનમાં લઇ તેમને ૧૯૫૪ માં પદ્મભૂષણ એવોર્ડ આપી બહુમાન કર્યુ. 

No comments: